હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડોમાં પડી રહેલો માલ પલળી ગયો છે. ઉપરાંત વરસાદને પગલે ખેડૂતોને શિયાળું પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10મી અને 11મી ડિસેમ્બરના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 11મી તારીખે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર પાક પલળી ગયો છે. મગફળી, ઘઉં, જીરું, ચણા સહિતના ઉત્પાદનમાં નુકસાન થયું છે. આથી સરકાર નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય વળતરની જાહેરાત કરે તેવી માંગણી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કરી છે.
અમરેલીના રાજુલામાં શિયાળામાં કમોસમી વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં 10 અને 11 તારીખે કમોસમી વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજાલાના રાજુલા ઘાતરવડી ડેમ-2માં પાણીની આવક થઈ છે. પાણીની આવકને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. શિયાળાની ઋતુમાં આ ડેમ ઓવરફ્લો થયો હોય તેવો આ પ્રથમ બનાવ છે. ડેમમાં પાણીની આવત થતાં તંત્ર તરફથી ડેમનો દરવાજો 2 ઇંચ સુધી ખોલીને પાણીને છોડવામાં આવ્યું. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર સહિત આસપાસના 5 થી વધારે ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 મિલી મીટર પડ્યો છે. અમરેલીના જાફરાબાદમાં 30 મિલી મીટર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર, પારડી અને વાપીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. તો ભરૂચમાં 23 મિલી મીટર વરસાદ પડ્યો છે.
