કોડાય (તા. માંડવી), તા. 3 : તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ખાતરના કૌભાંડની આશંકા સાથે ફરિયાદ કરાઇ હતી. કોરોના અને લોકડાઉનની મહામારીમાં લોકોના ગજવાઓ ઉપર સીધી અસર થઇ છે ત્યારે ખેડૂતોને પણ ભારે આર્થિક નુકસાન થયું છે. આ સ્થિતિમાં જગતના તાતને છેતરવામાં માંડવી તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ.એ પણ કંઇ બાકી રાખ્યું નથી તેવા આક્ષેપ સાથે એપીએમસીના પૂર્વ ચેરમેન તથા વર્તમાન ડાયરેક્ટર જાલુભા જાડેજા (મોડકુબા)એ ફરિયાદ કરી છે. તેમણે ખેતી માટે રાસાયણિક ખાતર યુરિયાની 100 થેલી તેમજ સરદાર બ્રાન્ડ ડીએપીની 50 થેલી માંડવી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ખરીદી કરી હતી, જેમાં કેટલીક થેલીઓમાં વજન 50 કિ.ગ્રા.ની જગ્યાએ 47 કિ.ગ્રા. બતાવ્યું હતું અને ખાતરની ગુણવત્તા પણ શંકાસ્પદ જણાઇ હતી. ત્રણ માસ અગાઉ પણ આ પ્રકારની ફરિયાદ ખેડૂતોમાંથી ઊઠી હતી પણ સમગ્ર પ્રકરણનું ભીનું સંકેલાઇ ગયું હતું. આવા સરકારના સાહસો, સંસ્થાઓમાં બની બેઠેલા?ખેડૂતોને છેતરી રહ્યા છે તેવા તમામ રાજકીય કે સંસ્થાકીય આગેવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરવા નાયબ ખેતીનિયામક-ભુજને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. આ સંદર્ભે સંઘમાં મૌખિક ફરિયાદ કરાતાં ખેડૂતોને યોગ્ય જવાબ મળતો નથી. બિલની માગણી કરવામાં આવતાં પૂરતા જથ્થાનું બિલ પણ અપાતું નથી. આ સંદર્ભે કવોલિટી કંટ્રોલના બિપિનભાઇ પટેલનો સંપર્ક સાધતાં તેમણે ખેડૂતોની ફરિયાદના પગલે ખાતરના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે અને તેનો રિપોર્ટ અઠવાડિયામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. માંડવી તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોના થમ્બ લીધા વિના જથ્થો સગેવગે કરવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. સંઘના મેનેજર પ્રકાશ પટેલનો સંપર્ક સાધતાં તેમણે તમામ જવાબદારી ખાતર ઉત્પાદક કંપની ઉપર ઢોળતાં સંઘ માત્ર વિક્રેતા હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોમાંથી ઊઠતી ફરિયાદો અનુસાર ભેળસેળયુક્ત ખાતરના કારણે કેટલાક ખેડૂતોને કપાસના પાકમાં પણ નુકસાન થયું હતું.’