વીડિયોમાં કાલાવડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સંદીપ રાદડીયાના પત્ની પ્રોહિબિશનના ગુનામાં મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલી કારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે.

રાજકોટ: પોલીસ ખાતામાં નોકરી હોય એટલે તેમને ગમે તે કરવાની પરવાનો મળી જતો હોય તેવો એક બનાવ જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકા માં નોંધાયો છે. પોલીસને જાણે કે રાજ્યભરમાં કંઈ પણ કરવાનો છૂટો દોર મળી ગયો હોઈ તે પ્રકારના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કાલાવડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સંદીપ રાદડીયાના પત્ની પ્રોહિબિશનના ગુનામાં મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલી કારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. આ મામલે કાર્યવાહી કરતા હાલ પી.એસ.આઈ અને તેના રાઇટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર મામલે પોલીસ સૂત્રોનુ માનીએ તો કાલાવડ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટ્રેશન નંબર 380/2020ના તારીખ 06/08/2020ના રોજ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામા આવ્યો હતો. જે ગુનાના કામે જી-જે-03-એલ.જી 8413 નંબરની મારુતી અર્ટીગા કાર કબજે લેવામાં આવી હતી. સમગ્ર મામલે કોર્ટ દ્વારા આરોપીઓને શરતોને આધીન જામીન પણ આપવામા આવ્યા છે.

આરોપીઓને કોર્ટની શરત મુજબ દર માસની પહેલી તેમજ પંદરમી તારીખના રોજ પોલીસ સ્ટેશનમા હાજરી પુરાવવાની હોય છે. જેથી આરોપી પોતોના વકીલને સાથે રાખી પોલીસ સ્ટેશને પણ ગયા હતા. જે સમયે પોતાની પોલીસ દ્વારા કબજે કરવામા આવેલી અર્ટીગા કાર પોલીસ સ્ટેશનમા ન જણાતા કાર અન્ય કોઈ બાબતે ઉપયોગમા લેવામાં આવતી હોવાની શંકા ઉપજી હતી. જે બાદ કારની શોધખોળ આદરતા મુદ્દામાલમાં કબજે લેવામાં આવેલી કાર કાલાવડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સંદીપ રાદડીયા વાપરતા હોવાનુ સામે આવ્યું હતું. જે બાબતનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર વાયરલ વીડિયો મામલે એસ.પી. જામનગરને કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. વાયરલ વીડિયો મામલે જે પણ જવાબદરા હશે તેમની વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા મુજબ ચોક્કસ પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસ.પી.માંથી રેન્જ આઈજી તરીકે પ્રમોશન મેળવેલા રાજકોટ રેન્જના વડા સંદીપ સિંઘના શરુઆતી સમયમા તેમણે અનેક પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓને ખાતાકીય તપાસના અંતે સસ્પેન્ડ કર્યા છે.

આ મામલે જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક મહિલા તેઓ પી.એસ.આઈના પત્ની હોવાનું જણાવી રહ્યા છે. કારના વપરાશ અંગે જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેમના પતિએ આ કાર આપી હતી. આ કાર મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવી હતી તેની તેમને જાણ નથી. આ મામલે જ્યારે ગાડીના ડ્રાઇવરને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, કાલાવડ ગ્રામ્યના પીએસઆઈના કહેવાથી તેઓ આ કારમાં તેમના પત્નીને મૂકવા માટે જઈ રહ્યા છે.